મુળી: ગત તા.૨૦/૧૨/૨૦૨૫ના રોજ મુળી તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને 'તાલુકા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના પડતર પ્રશ્નો અને લોક સુવિધા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકના પ્રથમ તબક્કામાં ભાગ-૧ ના એક થી નવ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ભાગ-૨ અંતર્ગત લોકપ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે મુળી સામુદાયિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુ થયેલા દબાણો દૂર કરવા અને મુળી ગેટથી પુલ સુધી નડતરરૂપ બાવળોનું કટિંગ કરવા બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ કલેક્ટરે સંબંધિત વિભાગોને આ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કડક સૂચના આપી હતી.
આ બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પીજીવીસીએલ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન (સ્ટેટ/પંચાયત), નર્મદા વિભાગ અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



