નવનાત વણિક સમાજ અને મહાનગરપાલિકા વચ્ચે 'કાપડની થેલી'ના વેન્ડિંગ મશીન માટે ઐતિહાસિક MOU
ગુજરાત સરકારની સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી આજે રાજ્યના વિકાસનું એન્જિન બની રહી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, પરંતુ ટેકનોલોજી અને નવતર વિચારોના માધ્યમથી સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાનો છે. જ્યારે કોઈ સ્ટાર્ટ-અપ અથવા ઈનોવેશન પર્યાવરણના જતન અને જીવદયા સાથે જોડાય છે, ત્યારે તે સમાજ માટે આશીર્વાદરૂપ બને છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા 'કાપડની થેલી'ના વેન્ડિંગ મશીન માટેના MOU આ પરિવર્તનનું જીવંત ઉદાહરણ છે.રાજ્ય સરકારની નીતિ અંતર્ગત શાળાઓ અને કોલેજોના સ્તરેથી જ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપી માત્ર નોકરી શોધનારા બનવાને બદલે નોકરી આપનારા એટલે કે 'જોબ ક્રિએટર' બનાવવાનો છે. નવા વિચારોને વ્યાવસાયિક સફળતામાં બદલવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય, માર્ગદર્શન અને ઈન્ક્યુબેશન સેન્ટર્સ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી કોઈપણ યુવાન પોતાના નવતર વિચારને મૂર્ત સ્વરૂપ આપી શકે. ઈનોવેશન એટલે કે નવતર પ્રયોગો દ્વારા સામાજિક પ્રશ્નોના ઉકેલ પર સરકાર વિશેષ ભાર મૂકે છે ત્યારે, સુરેન્દ્રનગરમાં કાપડની થેલી માટેના વેન્ડિંગ મશીનનો પ્રોજેક્ટ આ પ્રકારના 'સોશિયલ ઈનોવેશન'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરકાર દ્વારા આવા પ્રોજેક્ટ્સને આર્થિક સહાય, પેટન્ટ નોંધણીમાં મદદ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે, જેનાથી 'વેસ્ટ-ટુ-વેલ્થ'ની વિભાવના સાર્થક થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ-૨૦૨૬ના પ્લેટફોર્મ પર સુરેન્દ્રનગર જિલ્લાએ પર્યાવરણ જાળવણીમાં સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને નવનાત વણિક સમાજ વચ્ચે વેન્ડિંગ મશીનો સ્થાપવા માટેના MOU કરવામાં આવ્યા હતા. આ મશીનો દ્વારા શહેરના મુખ્ય બજારો અને જાહેર સ્થળો પર અત્યંત નજીવા ટોકન ચાર્જથી કાપડની થેલીઓ મળી શકશે.
આજના યુગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એક ગંભીર સમસ્યા છે. વડોદરાના સફળ મોડલને અનુસરીને સુરેન્દ્રનગરના જાહેર સ્થળો પર વેન્ડિંગ મશીન મુકવાનો નિર્ણય એ શહેરી વિકાસમાં 'સ્માર્ટ ગવર્નન્સ'નો હિસ્સો છે. આ મશીનો દ્વારા લોકોની આદતમાં પરિવર્તન આવશે અને પ્લાસ્ટિકનો વપરાશ આપોઆપ ઘટશે. આ પ્રકારના વેન્ડિંગ મશીનોનું નિર્માણ અને તેની જાળવણી સ્થાનિક સ્તરે રોજગારી અને નવા ઉદ્યોગ સાહસિકો માટે નવી તકો ઊભી કરશે. સરકારની નીતિ મુજબ, આવા ઈનોવેટિવ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપીને સુરેન્દ્રનગર જિલ્લાએ ટકાઉ વિકાસ તરફ ડગ માંડ્યું છે.
આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો અને સંવેદનશીલ પાસું 'જીવદયા' છે. નવનાત વણિક સમાજના ટ્રસ્ટી શ્રી વૈભવ ચોકસીના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર એ માત્ર સ્વચ્છતાનું જ નહીં, પણ ગાય અને અબોલ પશુઓની રક્ષા માટેનું પણ અભિયાન છે. બજારોમાં ફેંકાયેલું પ્લાસ્ટિક અજાણતા ગાયો કે અન્ય પશુઓના પેટમાં જાય છે, જે તેમના માટે જીવલેણ બને છે. જ્યારે ઈનોવેશન કરુણા અને જીવદયા સાથે જોડાય છે, ત્યારે તે સમાજ માટે આશીર્વાદરૂપ બને છે. આમ, આ MOU દ્વારા સુરેન્દ્રનગર માત્ર સ્વચ્છ જ નહીં, પણ સંવેદનશીલ શહેર તરીકે પણ સ્થાપિત થશે.
આ MOU દર્શાવે છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે માત્ર મોટા ઉદ્યોગો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે છેવાડાના માનવીના જીવનધોરણને સુધારવા અને પર્યાવરણના પ્રશ્નોને હલ કરવાનું એક સબળ પ્લેટફોર્મ બની ગઈ છે. સ્ટાર્ટ-અપ અને ઈનોવેશનની થીમ પર આધારિત આ અભિગમ આગામી સમયમાં સુરેન્દ્રનગરને રાજ્યના સૌથી સ્વચ્છ અને પર્યાવરણપ્રેમી જિલ્લાઓની હરોળમાં મૂકશે


