ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, રાજ્યમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે હોટલ વડવાલા દર્શન પાસેના ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં કુલ 28,404 બોટલો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત આશરે રૂ. 1,77,81,360 આંકવામાં આવી છે. જ્યારે smcએ દારૂ ઉપરાંત રૂ. 35,00,000ની કિંમતના બે વાહનો, કપાસના કચરાના બંડલ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.2,13,61,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન SMCની ટીમે કુલ સાત આરોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓ ચુડા તાલુકાના ભાણેજડા ગામના રહેવાસી છે.
આ કેસમાં દારૂનો મુખ્ય રીસીવર સંજયભાઈ અનકભાઈ ખાચર (નાની મોલડી) સહિત કુલ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલો દારૂ પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાનની ડિસ્ટિલરીઓમાંથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
SMCના PSI વી.એન. જાડેજા દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.



