સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના છેવાડાના ભેટ ગામમાં ૦૩ ડીસેમ્બર-૨૦૨૫ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સરકારી સર્વે નંબર ૩૫ વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગેરકાયદેસર રીતે ચાલતા ૧૬ (સોળ) કોલસાના કૂવાઓ પરથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ સ્થળ પરથી કુલ રૂપિયા ૨,૮૭,૩૦,૦૦૦ની કિંમતનો ૧૫૦ મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ૧૫ ચરખી અને ૧૬ બકેટ, ૩ ડમ્પર, ૨ લોડર મશીન, અને ૫ ટ્રેક્ટર, ૫ બાઇક, ૨ કમ્પ્રેશન મશીન, અને ૧ જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જયારે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન, જોખમી કોલસાના કૂવામાંથી ૧૬ (સોળ) મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા રઘુભાઈ કોળી પટેલ (રહે. ચૂપની, તા. હળવદ), મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ (રહે. સરસાણા, તા. થાનગઢ), રઘાભાઈ કોળી પટેલ (રહે. રાણીપાટ, તા. મુળી), દિનેશભાઈ કાંજિયા (ધોરિયા) (રહે. ગાંજીયાવદર, તા. વાંકાનેર), કાનાભાઈ ચંદનભાઈ દરબાર (રહે. થાનગઢ),મનસુખભાઈ કોળી પટેલ (રહે. ભેટ, તા. મુળી)
૬ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ તમામ ઈસમો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તમામ વાહન માલિકોના નામો આઈડેન્ટીફાય કરવાની કામગીરી કરી છે. વધુમાં, આજુબાજુના વિસ્તારમાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ૨૭ (સતાવીશ) પરપ્રાંતીય મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા માટે સમજૂત કરી રવાના કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.



