મુળી/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા અને આસપાસના અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી યુરિયા ખાતરની તંગી સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે અશાંતિ અને ચિંતા ફેલાઈ છે!. રવિ પાકોની વાવણી અને વૃદ્ધિની વર્તમાન નિર્ણાયક અવસ્થામાં યુરિયાનું મહત્વ અત્યંત હોય છે. ખાતરની અછતને કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર સીધી અસર થવાનો અને ખેડૂતોની આવક ઘટવાનો ભય ઊભો થયો છે. હાલની પરિસ્થિતિ મુજબ સરકારી ફાળવણીના ધોરણે સાત દિવસમાં ફક્ત એક જ યુરિયા ભરેલી ગાડી આવે છે. આ ઓછી ફાળવણી લાખો ખેડૂતોની જરૂરિયાત સામે નહિવત્ છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી જ વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લગાવવી પડે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ તેમને માંડ માત્ર બે બેગ યુરિયા જ ફાળવવામાં આવે છે.
યુરિયાની તંગીને કારણે રવિ પાકોની વાવણી અને તેમની વૃદ્ધિ બંને પર ગંભીર અસર થઈ રહી છે, જે આખા વર્ષની ખેડૂતોની મહેનતને જોખમમાં મૂકી રહી છે.
ત્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર તરફથી ફક્ત જાહેરાતો અને આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન લેવલે પૂરતું ખાતર પહોંચાડવાની વ્યવસ્થામાં કોઈ ગંભીરતા દેખાતી નથી. સરલા, મુળી અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરિસ્થિતિ ખાસ કરીને વણસી છે.



