સુરેન્દ્રનગર ખાતે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટ’નો પ્રારંભ, રૂ.૮૩૪ કરોડથી વધુના ૩૦ જેટલા MoU સંપન્ન:
ઓટોપાર્ટ્સ, સિરામિક અને ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી રહેલું સુરેન્દ્રનગર રોકાણકારો માટે ‘ગોલ્ડન તક:- નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
રાજકોટ ખાતે યોજાનાર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે આજે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે ૩૦ જેટલા ઔદ્યોગિક એકમો સાથે રૂ. ૮૩૪ કરોડના મહત્વના MoU કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, "વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી, તેને આજે ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટને જિલ્લા કક્ષાએ લાવીને સ્થાનિક કલા અને બિઝનેસને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. થયેલા MoU માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ તેને વાસ્તવિક ઉદ્યોગમાં બદલવા માટે સરકાર ઉદ્યોગપતિઓની સાથે ઊભી છે.
સુરેન્દ્રનગરની વિશેષતાઓ વર્ણવતા મંત્રીશ્રીએ પટોળા, ટાંગલિયા શાલ અને સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "હર ઘર સ્વદેશી"ના મંત્ર સાથે આપણે સ્થાનિક વસ્તુઓ અપનાવવી જોઈએ. સખી મંડળની બહેનો આજે 'લખપતિ દીદી' બનીને આત્મનિર્ભર બની રહી છે તે જિલ્લા માટે ગૌરવની વાત છે.
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૨૬ની ૧૧મી વાઇબ્રન્ટ સમિટ સુરેન્દ્રનગર માટે સુવર્ણ તક છે. ધોળીધજા ડેમ દ્વારા પાણીની સુવિધા, હીરાસર એરપોર્ટની નિકટતા અને અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવેની કનેક્ટિવિટીને કારણે સુરેન્દ્રનગર રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે.
કુટિર ઉદ્યોગ સચિવ અને કમિશનર શ્રી આર્દ્રા અગ્રવાલે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’ની રૂપરેખા આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્વ સમજાવ્યું હતું.
ઉપસ્થિત સર્વે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી. બાદમાં યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નો શુભારંભ બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ તેમના ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરષોત્તમભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય સર્વે શ્રી વર્ષાબેન દોશી, શ્રી ધનરાજ કૈલા, શ્રી ધનજીભાઈ પટેલ, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, ઉદ્યોગકાર સર્વે શ્રી દિનેશભાઈ તુરખીયા, નરેશભાઈ કૈલા, અરુણભાઈ પટેલ, મયુરભાઈ ત્રિવેદી, સુમિત પટેલ, બાબુભાઈ પટેલ, વૈભવભાઈ ચોકસી, સર્વે પદ્મ શ્રી મુકતાબેન ડગલી, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી લવજીભાઈ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર ઓઝા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




.jpeg)
.jpeg)

