રાજ્ય સરકારની આરોગ્યલક્ષી નીતિઓનું સુખદ પરિણામ પામતાં નાગરિકો:સુરેન્દ્રનગર જિલ્લાના તબીબી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી સિદ્ધિ

0
સી. યુ. શાહ હોસ્પિટલમાં ૨૦ વર્ષની સૌથી જટિલ 'વ્હિપલ સર્જરી' તબીબોની ૧૦ કલાકની જહેમતે સફળતાપૂર્વક પૂર્ણ: આયુષ્માન ભારત યોજના હેઠળ પિત્તની નળી અને સ્વાદુપિંડના કેન્સરની ગાંઠ દૂર કરી લાખો રૂપિયાની સારવાર તદન મફત કરી દર્દીને અપાયું નવજીવન:"એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મારા પિતાને નવજીવન મળ્યું, અમે સરકારના આજીવન ઋણી રહીશું." — દર્દીના પુત્ર ધવલભાઈ કારેલીયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર છેવાડાના માનવીને ઘરઆંગણે શ્રેષ્ઠ અને નિઃશુલ્ક તબીબી સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. આ કટિબદ્ધતાનું જીવંત ઉદાહરણ સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું છે, જ્યાં મેડિકલ સાયન્સની અત્યંત જટિલ ગણાતી ‘વ્હિપલ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. છેલ્લા ૨૦ વર્ષમાં જિલ્લાના તબીબી ઇતિહાસમાં આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન છે, જેણે એક મધ્યમવર્ગીય પરિવારનો દીવો બુઝાતા બચાવી લીધો છે.
"જ્યારે પિતાજીના રિપોર્ટમાં કેન્સરનું નિદાન થયું, ત્યારે જાણે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચની વાત સાંભળી અમે ખૂબ જ મુંઝવણમાં હતા, પરંતુ આયુષ્માન કાર્ડને કારણે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મારા પિતાનું જટિલ ઓપરેશન અને સારવાર તદ્દન મફત થઈ છે. સરકારની આ ઉમદા યોજનાને કારણે આજે મારા પિતાને નવજીવન મળ્યું છે, જે બદલ અમે સરકારના આજીવન ઋણી રહીશું." સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આ શબ્દો છે, ધવલભાઈ કારેલીયાના.
સુરેન્દ્રનગરના રહેવાસી અને મધ્યમવર્ગીય પરિવારના મોભી કાંતિભાઈ કારેલીયાને છેલ્લા એક મહિનાથી ભૂખ ન લાગવી, મોઢામાં ચાંદા પડવા અને કબજિયાત જેવી તકલીફો શરૂ થઈ હતી. પ્રાથમિક તપાસમાં કમળો જણાતા સોનોગ્રાફી કરવામાં આવી, જેમાં પિત્તની નળી સંકોચાઈ હોવાનું બહાર આવ્યું. આ કેસની ગંભીરતા જોઈ તેમને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ચિંતન ટેલર પાસે રિફર કરાયા હતા. એન્ડોસ્કોપી અને બાયોપ્સીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, કાંતિભાઈને પિત્તની નળી જ્યાં નાના આંતરડામાં ખુલે છે ત્યાં કેન્સરની ગાંઠ છે.

સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી આ સર્જરીનો સક્સેસ રેટ માત્ર ૫૦% જેટલો જ હોય છે, પરંતુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - PMJAY હેઠળ આ પડકાર ઝીલવાનું નક્કી કરાયું. તબીબોની ૧૦ કલાકની અવિરત જહેમત અને અત્યાધુનિક સુવિધાઓના સમન્વયથી આ અશક્ય લાગતું ઓપરેશન સફળતાપૂર્વક પરીપૂર્ણ કરવામાં આવ્યું હતું. 
ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. ચિંતન ટેલરે આ કેસના નિદાન અંગે જણાવ્યું હતું કે, દર્દીને જ્યારે તપાસ માટે આવ્યા, ત્યારે પ્રાથમિક તપાસમાં પિત્તની નળી સંકોચાયેલી જણાઈ હતી. જ્યારે એન્ડોસ્કોપી તપાસ કરી ત્યારે પિત્તની નળીના મુખ પાસે ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. આ એક ખૂબ જ ગંભીર સ્થિતિ હતી, તેથી અમે તાત્કાલિક તે ભાગની બાયોપ્સી અને સીટી સ્કેન કરાવ્યું, જેમાં પિત્તની નળીનું કેન્સર હોવાનું નિશ્ચિત થયું. જિલ્લા કક્ષાએ આટલું વહેલું અને સચોટ નિદાન થવાને કારણે જ અમે સમયસર સર્જરી વિભાગને કેસ સોંપી શક્યા અને દર્દીને જીવલેણ કેન્સરની જટિલતામાંથી ઉગારી શક્યા છીએ.
સર્જરીની જટિલતા અંગે ડૉ. કમલેશ ગલાણીએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં સ્વાદુપિંડનો ભાગ, પિત્તાશયની કોથળી અને નાના આંતરડાના ભાગો દૂર કરી ફરીથી જોડવામાં આવે છે. સતત ૧૦ કલાકની જહેમત બાદ આ ઓપરેશન સફળ રહ્યું છે અને દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
આ ઓપરેશનની સફળતામાં હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત અને એનેસ્થેસિયા ટીમનું યોગદાન પણ અભૂતપૂર્વ રહ્યું હતું. કેન્સર નિષ્ણાંત ડૉ. ભાવિક વસોયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરીનો સક્સેસ રેટ ઘણો ઓછો હોય છે, પરંતુ યોગ્ય નિદાન અને સચોટ આયોજન સાથે અમે આ કામગીરી શરૂ કરી. હોસ્પિટલમાં જે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, તેને કારણે અમે આટલું જટિલ ઓપરેશન કરી શક્યા છીએ.
સર્જરી ટીમમાં સામેલ ડૉ. હરેશ મેમરીયાએ જણાવ્યું કે, આ સફળતા પાછળ ટીમ વર્ક મોટું કારણ છે. સર્જરી વિભાગ અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોના સંકલનથી આ અશક્ય લાગતું ઓપરેશન સફળ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવી સુવિધા મળવાને કારણે દર્દીને અમદાવાદ કે રાજકોટ સુધી લાંબા થવું પડ્યું નથી અને સમયસર સારવાર મળી શકી છે.
સામાન્ય પરિવારો માટે આશીર્વાદરૂપ આયુષ્માન ભારત - PMJAY યોજના આજે રાજ્યના લાખો પરિવારો માટે આશાનું કિરણ બની છે. કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ માટે મળતી તદ્દન મફત સારવારને કારણે સામાન્ય નાગરિકોને હવે આર્થિક દેવું કરવું પડતું નથી. આ યોજના હેઠળ જટિલ સર્જરીઓ માટે મળતી કેશલેસ સુવિધા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સાચા અર્થમાં રક્ષણ કવચ સાબિત થઈ રહી છે.
છેવાડાના માનવી સુધી પહોંચતી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ રાજ્ય સરકારના સઘન પ્રયાસોને કારણે આજે જિલ્લા કક્ષાએ પણ અત્યાધુનિક તબીબી માળખું અને નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ થઈ છે. 'સૌનું સ્વાસ્થ્ય, સૌની સુખાકારી'ના મંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
દરેક નાગરિકને કેશલેસ અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે રાજ્યનું આરોગ્ય માળખું વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. સરકારી અને સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પારદર્શી વહીવટ અને ત્વરિત સારવારની નીતિને કારણે આજે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે દેશમાં રોલ મોડેલ બની રહ્યું છે, જેનો સીધો લાભ કાંતિભાઈ જેવા અસંખ્ય જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની આ ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે કે, ટેકનોલોજી અને સરકારી યોજનાઓના સમન્વયથી હવે સામાન્ય માનવીને પણ ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top