સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા એસ.બી.આઈ. આરસેટી ખાતે "કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩" વિષય પર એક વિશેષ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યસ્થળ પર મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરવાનો હતો.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી વી.એસ. શાહ સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે મહિલાઓની સુરક્ષા અને સમાજમાં તેમના સન્માનજનક સ્થાન અંગે ભાર મૂકતા જણાવ્યું હતું કે, સુરક્ષિત કાર્યસ્થળ એ મહિલાઓના સશક્તિકરણ માટેની પ્રાથમિક જરૂરિયાત છે. તેમણે મહિલા સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સેમિનારના મુખ્ય વક્તા શ્રી ડોબરીયા સાહેબે 'કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩' અંગે ટેકનિકલ અને વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ કાયદા હેઠળ ફરિયાદ નિવારણની પ્રક્રિયા, લોકલ કમિટી (LC) અને ઇન્ટરનલ કમિટી (IC) ની રચના તેમજ કાયદાકીય રક્ષણ વિશે હાજર તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રી જલ્પાબેન ચંદેશરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરતા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી, જેથી મહિલાઓ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





