સુરેન્દ્રનગર: ટેકનોલોજી અને ખાખીના સમન્વયથી કાયદો-વ્યવસ્થાની જાળવણી કેવી રીતે થાય છે તે સમજવા માટે વિદ્યાર્થીઓએ પોલીસ વિભાગની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ શૈક્ષણિક વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SGVP રાજકોટ સંસ્થા સુરેન્દ્રનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓએ તા. ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. પરમાર (નેત્રમ) અને પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ની કામગીરીથી વિસ્તૃત રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યારે વિદ્યાર્થીઓને મુલાકાતમાં મુખ્ય સીસીટીવી સર્વેલન્સ: સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વિવિધ સ્થળોએ ઇન્સ્ટોલ કરેલા અત્યાધુનિક સીસીટીવી કેમેરા દ્વારા કઈ રીતે ૨૪x૭ નિરીક્ષણ રાખવામાં આવે છે તેની લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું, ગુનેગારોને પકડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કેમેરા ફૂટેજનું એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ દ્વારા કઈ રીતે ઇ-ચલણ જનરેટ કરવામાં આવે છે અને વાહન ચાલકોને મોકલવામાં આવે છે તેની પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ટેકનોલોજીના માધ્યમથી પોલીસ વિભાગની પારદર્શક કામગીરીનો પરિચય કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ અત્યાધુનિક સાધનો જોઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.


