મેળામાં ૫૦ સ્ટોલ્સમાં ટાંગલિયા, પટોળા અને બાંધણી જેવી સુરેન્દ્રનગરની વિરાસતનું પ્રદર્શન-કમ-વેચાણ: મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિતનાં મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ બહેનોની કલાને બિરદાવી
મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા
- મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
- વડાપ્રધાનશ્રીએ રોપેલું 'સખી મંડળ'નું બીજ આજે વટવૃક્ષ બની બહેનોને રોજગારી આપી રહ્યું છે.
- સશક્ત નારી મેળો 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કરી બહેનોની મહેનતને સાચું વળતર અપાવશે.
સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આજથી ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે. પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ રીબીન કાપીને મેળાને ખુલ્લો મૂક્યો હતો. ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. પ્રભારી મંત્રીશ્રીએ મહિલા કારીગરો સાથે સીધો સંવાદ સાધી તેમના દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને બહેનોના અદભૂત હસ્તકલા-કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મહિલા સશક્તિકરણના ઉમદા હેતુથી 'સખી મંડળો'નો પાયો નાખ્યો હતો, જે આજે વટવૃક્ષ બનીને બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ભવ્ય વારસા સમાન હસ્તકલા, ભરત-ગૂંથણ, બાંધણી, પટોળા અને ટાંગલિયા જેવી કલાને આ મેળા દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનમાં વચેટિયાઓ મુક્ત સીધું બજાર મળવાથી બહેનોની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ બહેનો દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરવા ભાવભરી અપીલ કરી હતી.
આગામી ૨૧ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતા સ્વદેશી ચીજવસ્તુઓના સંગમથી એક અનેરો માહોલ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મેળો દરરોજ સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.
આ પ્રદર્શન-કમ-વેચાણ મેળામાં કુલ ૫૦ જેટલા વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજો, શણગારની સામગ્રી અને અન્ય સ્વ-ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. વચેટિયાઓ વગર સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળતી હોવાથી મુલાકાતીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ સર્વે શ્રી કીરીટસિંહ રાણા, શ્રી પી.કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, શ્રી રાજભા ઝાલા સહિતનાં પદાધિકારશ્રીઓ, કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર. એમ. જાલંધરા સહિતનાં વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવ્યા હતા.


.jpeg)

.jpeg)

