સુરેન્દ્રનગર શહેરને 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત એક આદર્શ અને સુંદર શહેર તરીકે પ્રસ્થાપિત કરવા માટે સ્થાનિક તંત્ર અને સામાજિક સંસ્થાઓએ કમર કસી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ‘ક્લીન અપ સુરેન્દ્રનગર’ NGO ના સંયુક્ત ઉપક્રમે શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં એક વ્યાપક સફાઈ જુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં મહાનગરપાલિકાના સેનીટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમની સાથે ‘ક્લીન અપ સુરેન્દ્રનગર’ ના ઉત્સાહી સ્વયંસેવકોએ પણ ખભેખભા મિલાવીને રિવરફ્રન્ટ પર જામી ગયેલા કચરાના ઢગલાઓને દૂર કર્યા હતા. માત્ર સફાઈ જ નહીં, પરંતુ ભવિષ્યમાં ગંદકી ન થાય તે માટે ડોર-ટુ-ડોર કચરા નિકાલ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, "શહેરની સુંદરતા જાળવવી એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ગમે ત્યાં કચરો ફેંકવાને બદલે ફરજિયાતપણે પાલિકાની ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની ગાડીમાં જ કચરો નાખવો જોઈએ."
ત્યારે મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી સફાઈ જુંબેશો આગામી સમયમાં નિયમિતપણે હાથ ધરવામાં આવશે. NGO ના પ્રતિનિધિઓએ પણ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે ભવિષ્યમાં વધુ કાર્યક્રમો અને વર્કશોપ યોજવાની ખાતરી આપી હતી. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ સંયુક્ત પ્રયાસથી સુરેન્દ્રનગર હવે વધુ સ્વચ્છ અને નિરોગી શહેર બનવા તરફ ડગ માંડી રહ્યું છે.


