સુરેન્દ્રનગર:ધંધુકા મામલતદાર કચેરી ખાતે પોતાની વર્ષોની નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી નિવૃત્ત થયેલ સનતભાઇ દેવજીભાઈ મકવાણાનો જાહેર સન્માન સમારોહ તાજેતરમાં મિરાવાડી, ધંધુકા ખાતે અત્યંત ભાવપૂર્વક અને શાનદાર રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મકવાણા પરિવાર દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવીને નૈતિક મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાવન ગામ પરગણાના અગ્રણીઓ ગોવિંદભાઈ પરમાર, ગુલાબભાઇ પરમાર અને નાગરભાઈ પરમાર દ્વારા સનતભાઇનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભગવાન બુદ્ધ અને રાષ્ટ્રીય મુદ્રાનું તેલીચિત્ર ભેટ આપવામાં આવ્યું હતું. નિવૃત્ત આર્મીમેન હિંમતભાઇ પરમાર દ્વારા ભગવાન બુદ્ધની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સ્નેહીજનો અને મિત્રો દ્વારા સનતભાઇ અને તેમના ધર્મપત્ની લીલાબેનને ફુલહાર અને વિવિધ ભેટ-સોગાદોથી નવાજવામાં આવ્યા હતા.
નિવૃત્તિના આ પાવન પ્રસંગે મકવાણા પરિવારે ઉદારતા દાખવતા ગૌતમ બુદ્ધ ગૌ-સેવા આશ્રમ અને શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર (સુરેન્દ્રનગર) ખાતે બિનવારસી ગાયોના ઘાસચારા માટે ૫,૧૦૦ (પાંચ હજાર એકસો) નું દાન અર્પણ કર્યું હતું. આ સાથે જ પરિવાર દ્વારા પ્રસંગમાં પધારેલી બહેનો અને ભાણેજોને સાડીઓ તથા રોકડ રકમ આપીને પરંપરાગત રીતે ઓઢામણીનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નટુભાઈ મકવાણા તેમજ ધંધુકા બાવન ગામ પંચના મુરબ્બી ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી.



