સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તા. ૨૨ ડીસેમ્બર ૨૦૨૫ની વહેલી સવારથી જ ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે જામવાળી ગામમાં ધામા નાખ્યા હતા.
જામવાળી ગામની સીમમાં સરકારી કે અન્ય જમીનો પર મંજૂરી વગર ખોદવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓને શોધી કાઢી તેને કાયમી ધોરણે બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થળ પર લોડર મશીનો તૈનાત કરી આ જોખમી કુવાઓનું બુરાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ગેરકાયદેસર કુવાઓને કારણે પર્યાવરણને નુકસાન થવાની સાથે સાથે અકસ્માતનો ભય પણ રહેતો હોય છે. નાયબ કલેક્ટરના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.


