સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઇ-મેમોના દંડ ન ભરનાર વાહન ચાલકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસની નેત્રમ શાખા દ્વારા ઇશ્યુ કરાયેલા ઇ-ચલણના બાકી દંડની વસૂલાત માટે તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ પ્રી-લિટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલત સુરેન્દ્રનગર તાલુકા કાનુની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના સહયોગથી યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને "CESS TO JUSTICE FOR" હેઠળ ન્યાય મેળવવામાં મદદ કરવાનો છે.
પોલીસ દ્વારા સીસીટીવી મોનિટરિંગ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનારા લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે વાહન ચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઈ કર્યો નથી. તેવા કુલ ૨૫૫૨ વાહન માલિકોને કોર્ટ નોટિસ કાઢીને તેમના સરનામા પર તેમજ એસએમએસ (SMS) દ્વારા મોકલી આપવામાં આવી છે.
ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તા.૧૩/૧૨/૨૦૨૫ સુધીમાં બાકી ઇ-ચલણના દંડ ફરજિયાતપણે ભરી દેવા જો દંડ ભરપાઈ કરવામાં આવશે તો આ ચલણ અંગે કોર્ટમાં કોઈ કેસ દાખલ થશે નહીં.
ત્યારે સૌથી વધુ કેસ કયા નિયમભંગના? સુરેન્દ્રનગર જિલ્લામાં ઇશ્યુ કરાયેલ નોટિસમાં ટ્રાફિક ભંગના ચાલુ વાહનમાં મોબાઇલ ફોનનો ઉપયોગ: ૭૫૮ કેસ, ઓવર સ્પીડથી વાહન ચલાવવું: ૪૭૮ કેસ, મો.સા. પર ત્રણ સવારી: ૪૩૮ કેસ, સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ન કરવો: ૪૦૫ કેસ, કારમાં બ્લેક ફિલ્મ: ૨૦૨ કેસના કેસોનો સમાવેશ થાય છે.
દંડ ભરપાઈ કરવાની પદ્ધતિઓ
વાહન ચાલકોની સુવિધા માટે દંડ ભરવાની બે પદ્ધતિઓ ઉપલબ્ધ છે. ૧. રોકડમાં (ઓફલાઇન) ભરપાઈ નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી, જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના કોઈપણ નજીકના પોલીસ સ્ટેશન ખાતે.૨.ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ: https:// echallan. parivahan.gov.in (ONOC E-challan માટે), Google Pay, Phone Pe, SBI YONO જેવી એપ્લિકેશનો દ્વારા પણ ચુકવણી કરી શકાય છે.
જ્યારે સાયબર ફ્રોડથી બચવા માટે વાહન ચાલકોને ચેતવણી પણ આપવામાં આવે છે કે ઉપર દર્શાવેલ સત્તાવાર લિંક સિવાય અન્ય કોઈ પણ માધ્યમ કે લિંક દ્વારા ઈ-મેમો ભરપાઈ કરવો નહીં.વધુમા ઇ-ચલણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો વાહન ચાલકો ફોન નં. ૦૨૭૫૨-૨૮૩૧૦૦ અથવા ઇ-મેઇલ ccc-srn@gujarat. gov.in પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.


