પ્રદૂષણ ઘટાડવા અને જીવનને રોગમુક્ત રાખવા માટે 'ગ્રીન એનર્જી' અને 'વિકસતી નવીન ટેકનોલોજી' ને આવકાર આપવો અનિવાર્ય છે: વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)'ની થીમ સાથે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણની અદભૂત કૃતિઓ રજૂ કરતાં વિદ્યાર્થીઓ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર, બી.આર.સી. ભવન તથા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સના સંયુક્ત ઉપક્રમે ચુડા તાલુકાના કરમળ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાના 'ત્રિ-દિવસીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૫'નો ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ વિશેષ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રદર્શનના શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, શિક્ષક ભાઈઓ-બહેનોની મહેનતથી બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવીને પ્રદર્શિત કરવા માટે આ પ્લેટફોર્મ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)'ની થીમની પ્રશંસા કરતાં કહ્યું કે, આ પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ રાષ્ટ્રની જરૂરિયાતોને અનુરૂપ છે. તેમણે ખાસ કરીને 'ટકાઉ ખેતી' દ્વારા ખેડૂતને મદદરૂપ થવાની કલા પ્રદર્શિત કરતી કૃતિઓની સરાહના કરી હતી.
શ્રી જગદીશભાઈ મકવાણાએ પર્યાવરણની જાળવણીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને 'કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો' પરની કૃતિઓની ખાસ પ્રશંસા કરી. તેમણે પ્લાસ્ટિકના ગંભીર પરિણામો સામે ચેતવણી આપીને કાગળ કે કપડાની થેલી જેવા વિકલ્પોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રદૂષણ ઘટાડવા અને જીવનને રોગમુક્ત રાખવા માટે 'હરિત ઊર્જા' (ગ્રીન એનર્જી) અને 'વિકસતી નવીન ટેકનોલોજી'ને આવકાર આપ્યો હતો.
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૫નું વર્ષ 'શુભકામ સમય' છે, કારણ કે આ વર્ષે 'વંદે માતરમ' ગીતની રચનાને ૧૫૦ વર્ષ, 'અખંડ ભારતના શિલ્પી' સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા આર્ય સમાજની સ્થાપનાના ૧૫૦ વર્ષ, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે. આ ૫૩માં વિજ્ઞાન પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ નાયબ મુખ્ય દંડક શ્રીએ પરમ પૂજ્ય સદગુરુ શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી સહિત તમામ વંદનીય સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને તેમની તૈયારી કરાવનાર શિક્ષક મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદર્શન દરમિયાન, તેમણે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા અને શુભકામના પાઠવી હતી કે, આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને. ત્રિ-દિવસીય વિજ્ઞાન પ્રદર્શનના અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)'ની થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શન તા.૧૦ ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતી અદભૂત અને જ્ઞાનવર્ધક કૃતિઓ રજૂ કરી છે.
આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી તેમજ વેદાંતાચાર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને વેદાંતાચાર્ય પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી જેવા સંતો-મહંતો તેમજ ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ માધર, અગ્રણી શ્રી નાથાભાઈ સંઘાણી, શ્રી પ્રદીપસિંહ પરમાર, શ્રી રણછોડભાઈ કટારીયા સહિતનાં પદાધિકારીશ્રીઓ, ડાયટના પ્રાચાર્ય ડો. સી. ટી. ટુંડિયા, ટીપીઓ શ્રી જીપલભાઈ પટેલ સહિતના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








