કોલેજમાં ૨૨ ખંડો, છ લેબોરેટરી, ડિજિટલ શિક્ષણ, સ્માર્ટ ક્લાસ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાઇફાઇ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ:આજનો વિદ્યાર્થી કોલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ નોકરીની શોધ કરનાર નહીં, પરંતુ અન્ય લોકોને નોકરી આપનાર બને:સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમન વાજા
સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમન વાજાના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કોલેજનું લોકાર્પણ લગભગ રૂ.૧૫ કરોડના ખર્ચે થયું છે.
આ પ્રસંગે સંબોધન કરતા ડૉ. પ્રધુમન વાજાએ જણાવ્યું હતું કે, પાટડીની આ નવી સરકારી કોલેજ સમગ્ર જનતાને સમર્પિત છે, કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ૫૦ થી ૬૦ કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું પડતું હતું, જે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે. તેમણે પાટડીની ધરતીને માતા શક્તિનું પ્રાગટ્ય ધામ, રામદેવપીરનું સ્થાન અને વર્ણીન્દ્ર ધામનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. નવનિર્મિત કોલેજ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે, જેમાં ૨૨ ખંડો, છ લેબોરેટરી, ડિજિટલ શિક્ષણ, સ્માર્ટ ક્લાસ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાઇફાઇ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકારનું સપનું છે કે આજનો વિદ્યાર્થી કોલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ નોકરીની શોધ કરનાર નહીં, પરંતુ અન્ય લોકોને નોકરી આપનાર બને. ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માળખાગત વિકાસ, નવી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના કરી છે. સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેવા મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને રૂ.૩૭૦ કરોડનું વિતરણ કર્યું છે. વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે GICAS નામની કેન્દ્રીકૃત એડમિશન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને કોલેજનું શિક્ષણ પૂર્ણ કરીને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે જવા માટે ઈમાનદારી, શ્રેષ્ઠતા, માન-સભ્યતા, સમાજસેવા અને જીવનમાં સંતુલન આ પાંચ સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને ૨૦૪૭ સુધીમાં ભારતને નંબર વન દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રી પી.કે. પરમારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સુરેન્દ્રનગરથી માલવણ પાટડી થઈને બહુચરાજી સુધીના રસ્તાને ફોર લેન કરવા માટે રૂ.૮૫૬ કરોડ અને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી માટે રૂ.૫૫ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સર્વે શ્રી નટુજી ઠાકોર, શ્રી સરદારજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ, અગ્રણી સર્વે શ્રી દિલીપભાઈ પટેલ, વિરલભાઈ સોની, પાટડી પ્રાંત અધિકારી શ્રી મિલન રાવ, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.






