ચોટીલા/સુરેન્દ્રનગરના ચોટીલામા (SMC)ની પ્રોહિબિશન રેડિંગ ટીમે ગઈ કાલે તા.૧૫/૧૨/૨૦૨૫ના રોજ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બળદેવ હોટલના પાર્કિંગ વિસ્તારમાં દારૂબંધીને લગતો એક મોટો દરોડો પાડ્યો હતો. આ રેડમાં કરોડોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL)નો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેડ દરમિયાન કુલ ૬૫૫૦ બોટલ IMFL કબ્જે કરવામાં આવી હતી. જેની કિંમત આશરે રૂ.૭૨,૦૫,૦૦૦ જેટલી થાય છે. આ દારૂ "બેગપાઇપર ફાઇન વ્હિસ્કી" બ્રાન્ડનો હતો અને તે પંજાબની બત્રા બ્રુઅરીઝ અને ડિસ્ટિલરીઝ દ્વારા બોટલિંગ કરાયેલો હતો અને તેના પર સ્પષ્ટ લખેલું હતું કે, "ફક્ત પંજાબમાં વેચાણ માટે." SMCએ દારૂ, એક ટ્રક, મોબાઇલ ફોન, ઢોરના ખોરાકના કોથળા (દારૂ છુપાવવા માટે) અને રોકડ મળીને કુલ રૂ.૮૭,૮૩,૫૬૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવમાં ટ્રક કબ્જે કરાયેલા વાહનની કિંમત રૂ.૧૫,૦૦,૦૦૦ આંકવામાં આવી છે. ઉપયોગમાં લીધેલા ઢોરના ખોરાકના ૨૫૦ કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઇવર અજય દેવરાખીભાઈ જીવાભાઈ ભરાઈ (રહે: ભાગવતિપરા સોસાયટી, જામજોધપુર)ની ધરપકડ કરી હતી.
જોકે, આ સમગ્ર નેટવર્કના ત્રણ મુખ્ય આરોપીઓ સ્થળ પર હાજર ન હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાયાભાઈ માયાભાઈ મોરી (IMFL લેનાર મુખ્ય વ્યક્તિ), ભાવેશભાઈ સમતભાઈ મોરી (મુખ્ય આરોપીનો ભાગીદાર), આ તમામ આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો અને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર રેડ પીએસઆઈ આર.બી. વનારની આગેવાની હેઠળની એસએમસીની ટીમે પાર પાડી હતી અને કેસ ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


