મુખ્યમંત્રી રાહત ભંડોળ:કૅન્સરના દર્દીઓ માટે ' જીવાદોરી ' સાબિત થઈ રહ્યું છે "મુખ્યમંત્રી રાહત ભંડોળ" : 4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન

0
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય 1656 કેન્સરના દર્દીઓનો સહારો બન્યું મુખ્યમંત્રી રાહત ભંડોળ-2021-2025 દરમિયાન કેન્સરના 2106 દર્દીઓની સારવાર માટે 31.55 કરોડથી વધુની આર્થિક સહાય ચુકવાઈ-લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવારમાં આર્થિક ટેકારૂપ બને છે 'મુખ્યમંત્રી રાહત ભંડોળ'
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત સુરક્ષા કવચ બન્યું છે. કુદરતી આફત, અકસ્માત અને ગંભીર બીમારીઓના સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેવાના ડુંગર હેઠળ દબાય છે. ત્યારે આવા કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ભંડોળ આશાનું કિરણ બની રહે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી રાહત ભંડોળને વધુ અસરકારક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહે. મુખ્યમંત્રી રાહત ભંડોળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ભરોસાનું પ્રતિક બની ચૂકયું છે.
ગુજરાત સરકારના મુખ્યમંત્રી રાહત ભંડોળ નો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને જીવનરક્ષક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે, ખાસ કરીને એવા દર્દીઓ જેમના માટે મોંઘી સારવાર લગભગ અશક્ય હોય છે. મુખ્યમંત્રી રાહત ભંડોળની આર્થિક સહાય હેઠળ કેન્સર, હૃદયરોગ, કિડની અને લીવર ફેલ્યોર તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવી છે.
મુખ્યમંત્રી રાહત ભંડોળ : લાભ કોને મળે ? કેવી રીતે ? સંચાલન કોણ કરે છે ?
અરજદારની વાર્ષિક આવક 4 લાખ (વરિષ્ઠ નાગરિકો માટે 6 લાખ)થી ઓછી હોવી જોઇએ. અરજદારે અરજી સાથે રહેઠાણનું પ્રમાણપત્ર, સારવારનો વિગતવાર અંદાજ અને સંબંધિત મેડિકલ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જરૂરી છે. અરજદારની અરજી મળ્યા પછી મહેસૂલ વિભાગ તેની ચકાસણી કરે છે. ત્યારબાદ ફાઇલ મુખ્યમંત્રી રાહત ભંડોળ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ સમિતિમાં મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી,રાહત કમિશનરશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ) નો સમાવેશ થાય છે. સમિતિની મંજૂરી પછી મંજૂર થયેલ રકમ સીધી હોસ્પિટલ અથવા દર્દીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી દર્દીને સમયસર સારવાર મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે.
4 વર્ષમાં કેન્સરના 2,106 દર્દીઓને રૂ.31.55 કરોડથી વધુની આર્થિક સહાય
વર્ષ 2021 થી 2025 દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી કેન્સર સામે ઝઝૂમી રહેલા 2,106 દર્દીઓને મહત્વપૂર્ણ આર્થિક સહાય પ્રદાન કરવામાં આવી છે, જેનાથી આ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન કેન્સરના 2,106 દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી રહેલ ભંડોળમાંથી 31.55 કરોડથી વધુની રકમની ચૂકવણી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બ્લડ કેન્સર (જેમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના કેસનો પણ સમાવેશ થાય છે.)ના 450 દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી છે, જ્યારે અન્ય પ્રકારના કેન્સરથી પીડિત 1656 દર્દીઓને સીએમઆરએફ થકી આર્થિક સહાય મળી. મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી- જટિલ સારવાર માટે પણ આર્થિક મદદ આપવામાં આવી છે.
ગુજરાતની ટોચની કેન્સર હોસ્પિટલોમાં સારવાર
અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ), રાજકોટની નાથાલાલ પરીખ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બી.ટી. સવાણી હોસ્પિટલ, સુરતની ભારત કેન્સર હોસ્પિટલ અને કિરણ મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ AAIHMS જેવી મોટી તબીબી સંસ્થાઓમાં સારવાર હેઠળના દર્દીઓને મુખ્યમંત્રી રાહત ભંડોળ (સીએમઆરએફ) હેઠળ આર્થિક સહાય કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ હોસ્પિટલોમાં કેન્સર સંબંધિત આધુનિક તબીબી સારવાર અને સુવિધા ઉપલબ્ધ છે. અહીં આર્થિક રીતે નબળાં દર્દીઓને નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખમાં સારવાર આપવામાં આવે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top