રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચઢતા રોકવા માટે ગૃહ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે સુરેન્દ્રનગર શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર હુક્કાબારના દૂષણને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.
એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના 'મિડલ પોઇન્ટ-૨ કોમ્પલેક્ષ' ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ "મિલન પાન પાર્લર" નામની દુકાનમાં હુક્કા અને અન્ય નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તેમજ સેવન કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા દુકાન સંચાલક એઝાઝભાઇ મહમદભાઇ કુરેશી (ઉં.વ. ૩૨) મળી આવ્યો હતો.
એસ.ઓ.જી. સ્ટાફે તપાસ દરમિયાન પાર્લરમાંથી હુક્કો (નંગ-૧) – કિંમત રૂ. ૧૦૦૦, હુક્કાની પાઇપ (નંગ-૧) – કિંમત રૂ. ૫૦૦, ઇલેક્ટ્રિક ચાર્કોલ સ્ટાર્ટર બેટરી (નંગ-૧) – કિંમત રૂ. ૫૦૦, ફોઇલ પેપર અને ફ્લેવર ચાર્કોલ બોક્સ – કિંમત રૂ. ૬૫૦ મળી કુલ રૂ. ૨૬૫૦ મળી મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીની BNSS કલમ ૩૫(૧)(ઈ) મુજબ ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા અને તેમની ટીમ સામેલ હતી.


