સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 'સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫' અને શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ

0
જિલ્લા કક્ષાએ કુલ ૭ શાળા અને તાલુકા કક્ષાએ કુલ ૧૦ શાળાઓ એમ કુલ ૧૭ શાળાઓને રોકડ પુરસ્કારો તથા મોમેન્ટો એનાયત કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ 'સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫' અને શૈક્ષણિક ચિંતન શિબિરનો શ્રી સી.યુ. શાહ મેડિકલ હોલ, વઢવાણ ખાતે યોજાયો હતો. 
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા પ્રેરીત અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સક્ષમ શાળા એવોર્ડ અંતર્ગત જિલ્લા કક્ષાએ કુલ ૭ શાળા અને તાલુકા કક્ષાએ કુલ ૧૦ શાળાઓ એમ કુલ ૧૭ શાળાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં મુળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, વઢવાણ તાલુકાની ખોડુ કન્યા પ્રાથમિક શાળા દ્વિતિય ક્રમે અને ચોટીલા તાલુકાની ખેરડી-૧ પ્રાથમિક શાળા તૃતિય ક્રમે વિજેતા આવી હતી. 
જિલ્લા કક્ષાએ માધ્યમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં સાયલા તાલુકાની મોડેલ સ્કૂલ સાયલા પ્રથમ ક્રમે, મુળી તાલુકાની મોડેલ સ્કૂલ મુળી દ્વિતિય ક્રમે અને ચુડા તાલુકાની મોડેલ સ્કૂલ ગોખરવાળા તૃતિય ક્રમે વિજેતા આવી હતી. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં થાનગઢ તાલુકાની પીએમશ્રી ર્ડા.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા નં.૯ થાનગઢ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. 
જેમાં પ્રથમ ક્રમને રૂા.૩૧,૦૦૦/-, દ્વિતિય ક્રમને રૂા.૨૧,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને સન્માનપત્ર અર્પણ કરી મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત તાલુકા કક્ષાએ ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા આવેલી દરેક તાલુકાની પ્રથમ ક્રમે આવેલ પ્રાથમિક શાળાને રૂા.૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને સન્માનપત્ર તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ CET, CGMS, NMMS, PSE અને SSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં જિલ્લા કક્ષાએ મેરીટમાં પ્રથમ સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો આપી મહેમાનશ્રીઓના વરદ્હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. 
આ એવોર્ડ સમારોહ સાથે જિલ્લાની શૈક્ષણિક ચિંતન શિબિર પણ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આવનારાં દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લો શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજયમાં શિરમોર બને તે રીતે શિક્ષણની સમગ્ર ટીમ આગામી દિવસોમાં આયોજનબદ્ધ કામગીરી કરે તે બાબતે ચિંતન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગરના ટીચર ટ્રેનીંગ ઓફિસરશ્રી દિનેશભાઇ સોલંકી અને વઢવાણ બી.આર.સી.કો-ઓર્ડિનેટર શ્રી નરેશભાઈ બદ્રેશિયા અને તેમની સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી અને બ્લોક સ્ટાફની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો.
વર્ષ ૨૦૨૪-૨૫ CET, CGMS, NMMS, PSE અને SSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં જિલ્લા કક્ષાએ મેરીટમાં પ્રથમ સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ.એમ. ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ એ. વાઘેલા, ડાયટ પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શિક્ષણ નિરીક્ષકશ્રી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી, મદદનીશ કેળવણી નિરીક્ષકશ્રી, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી, સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી, સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી, પે સેન્ટર શાળાના આચાર્યશ્રી અને એવોર્ડી શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top