સુરેન્દ્રનગર જિલ્લામાં ડાંગરના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી પગલા લેવા ખેડૂતોને અનુરોધ

0
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ડાંગરના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે ખેડૂતમિત્રોને સાવચેતીના પગલાં લેવા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખેતરના શેઢાપાળાનું ઘાસ કાપીને શેઢાપાળા સાફ રાખવા, ડાંગરના ધરૂની ફેરરોપણી બાદ પાન પર મૂકાયેલા ઈંડાના સમૂહો વીણીને તેનો નાશ કરવો. ફેરરોપણીના ૩૦ દિવસ બાદ હેકટરે ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મુકવી તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવી. ડાંગરના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો તેમજ ક્યારીમાં જરૂરીયાત પુરતુ જ પાણી રાખવું. ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશપિંજર ગોઠવવી જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (ફૂંદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ડાંગરની પાન ખાનારી ઇયળોનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો નુક્શાનવાળા પાન ઈયળ/કોશેટો સહિત તોડીને નાશ કરવો. ડાંગરનો દરજી/શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા હોય છે, તેનો વીણીને નાશ કરવો. ખેતરમાં પરભક્ષી જીવાત તરીકે કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે હેકટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે ઘઉં/રજકાનું ભૂસું વેરવું જોઈએ.
ગાભમારા અને પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૦.૫ થી ૧.૦ લાખ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી. ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/ પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા તેમજ કીટનાશકોનો ભલામણ મુજબ પ્રમાણ જાળવી છંટકાવ કરવો જેથી મિત્ર કીટકોનું સંવર્ધન/જાળવણી થઇ શકે છે. ડાંગરના ઊભા પાકમાં ચૂસિયા જીવાત તેમજ ઈયળ નિયંત્રણ માટે નીમાસ્ત્ર (૨૦૦ લીટર પ્રતિ એકર), અગ્નિઅસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), બ્રહ્માસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), દસપર્ણી અર્ક (૬ થી ૮ લીટર અર્ક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) જેવા વાનસ્પતિક કીટનાશકોનો છંટકાવ કરવો. લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં સાંજના સમયે ઘાસની નાની નાની ઢગલીઓ કરીને બીજા દિવસે સવારે તેને ઈયળ સહિત બાળી નાખવી. ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્ત વિસ્તારમાં જ કીટનાશકોનો ઉપયોગ કરવો. તેમજ ધરો, દર્ભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો જોઈએ.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ જાણકારી આપનાં વિસ્તારનાં ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top