ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. સંગાડાના અધ્યક્ષપદે આગામી તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચોટીલાના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પીઆઈ આર.એમ. સંગાડાએ આગામી શ્રાવણ માસ અને અન્ય તહેવારો દરમિયાન નાગરિકો અને વેપારીઓને પડતી સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને, તહેવારો નિમિત્તે વધતી ભીડને કારણે ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ લાવવા અને વેપાર-ધંધા સરળતાથી ચાલે તે અંગેના સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ કરી હતી જેથી અસામાજિક તત્વો દ્વારા ગ્રાહકો અને વેપારીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
આ બેઠકમાં ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. સંગાડા, ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સ, ચોટીલા વેપારી મંડળ, ચોટીલા નગરપાલિકાના સદસ્યો, તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સૌએ તહેવારોની ઉજવણી સુચારુ રૂપે થાય તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.


