લખતર ખાતે રૂ. ૮.૫૨ કરોડના ખર્ચે કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા વરદ હસ્તે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ

0
ગુજરાતમાં કુલ ૨૫૭ KGBV શાળાઓમાં આશરે ૩૪,૦૦૦ કન્યાઓ અભ્યાસ કરે છે: દીકરીઓ આ દેશનું ઘરેણું છે અને કોઈપણ દેશની પ્રગતિનું મૂળ તેની કેળવણી ઉપર રહેલું છે:મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે લખતર ખાતે રૂ. ૮.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય - KGBVના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળાના નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું કે, દીકરીઓ આ દેશનું ઘરેણું છે અને દેશની પ્રગતિનું મૂળ તેમની કેળવણી પર રહેલું છે. તેમણે વર્ષ ૨૦૦૨માં શરૂ કરાયેલા કન્યા કેળવણી રથ અને તેનાથી ડ્રોપઆઉટ રેશિયોમાં થયેલા ઘટાડાને યાદ કર્યો હતો અને KGBVને સરકારના આ પ્રયત્નોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ૨૦૦૪માં શરૂ કરાયેલો આ રેસિડેન્શિયલ શૈક્ષણિક કાર્યક્રમ શાળા બહારની, ડ્રોપઆઉટ થયેલી કે દુર્ગમ વિસ્તારમાંથી આવતી દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપે છે. ગુજરાતમાં કુલ ૨૫૭ KGBV શાળાઓ આવેલી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી વર્ગની આશરે ૩૪,૦૦૦ કન્યાઓ અભ્યાસ કરે છે. અહીં દીકરીઓને શિક્ષણની સાથે ભોજન, યુનિફોર્મ અને તબીબી સુવિધાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ડૉ. વાજાએ ઉમેર્યું હતું કે, "જો દીકરી શિક્ષણ સુધી ના જતી હોય, તો શિક્ષણને દીકરી સુધી લઈ જવું" એ સરકારનો મુખ્ય પ્રયાસ છે. આ પ્રયાસ હજારો દીકરીઓને આત્મનિર્ભર બનાવીને સમૃદ્ધિ તરફ લઈ જવાનો છે. તેમણે શિક્ષણ ક્ષેત્રની મહત્વની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "બેટી બચાવો અને બેટી પઢાઓ" સૂત્રની સરાહના કરતાં કહ્યું કે, એક દીકરી ભણે તો બે પરિવાર આગળ વધે છે. નવા આધુનિક ભવનમાં જીવન કૌશલ્ય તાલીમ જેમ કે સિવણ કામ, હેન્ડીક્રાફ્ટ, કોમ્પ્યુટર સ્કિલ, આરોગ્ય ચકાસણી, માનસિક માર્ગદર્શન, સુરક્ષા માટે સીસીટીવી અને મહિલા સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય થકી જ ૨૦૪૭ના 'વિકસિત' અને 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને સિદ્ધ કરી શકાશે.
ગ્રામ્ય સ્તરની દીકરીઓનું શિક્ષણ અવિરત રહે તે હેતુથી સરકારે અહીં નિવાસી ક્ષમતા ૫૦ માંથી વધારીને ૨૦૦ કરી છે. - ધારાસભ્ય પી.કે. પરમાર
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પી.કે. પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરની દીકરીઓનું શિક્ષણ અવિરત રહે તે હેતુથી સરકારે અહીં નિવાસી ક્ષમતા ૫૦ માંથી વધારીને ૨૦૦ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે, અહીંની બાલિકાઓ અભ્યાસ થકી IAS, IPS, ડૉક્ટર કે એન્જિનિયર બનીને પ્રગતિ કરશે. તેમણે કન્યા કેળવણી પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મૂકેલા વિશેષ ભારને કારણે સુરેન્દ્રનગર જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ૮૬ શાળાઓમાં ઓરડાની ઘટ અંગે રિપોર્ટ રજૂ કરાતાં મુખ્યમંત્રીશ્રીએ તમામ કામો મંજૂર કરીને રૂ. ૧૦૨ કરોડ ફાળવ્યા છે. શિક્ષણ ઉપરાંત અન્ય વિકાસ કાર્યોની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, લખતર પાટડી ક્ષેત્રમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણી માટે રૂ. ૫૯ કરોડની યોજના મંજૂર થઈ છે અને રોડ રસ્તાના સંદર્ભમાં પણ ૬૪ પંચાયત હસ્તકના અને ૯ સ્ટેટ હસ્તકના રસ્તાઓ મંજૂર થયા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ એ. વાઘેલાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમજ જિલ્લામાં આવેલી શાળાઓ, શિક્ષણનું સ્તર સહિત તમામ શૈક્ષણિક બાબતોમાં પ્રગતિની વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને જુસ્સાભેર કરાટેના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ જુદી જુદી સરકારી યોજનાઓનું માહિતી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેનું મંત્રીશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવોએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વંદન કરી તેમને આદરપૂર્વક યાદ કર્યા હતા.
આ તકે સરકારી સેવાઓમાં કાર્યરત શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ.એમ. ઓઝાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે મદદનીશ જિલ્લા કો- ઓર્ડીનેટર, ગર્લ્સ એજ્યુકેશન શ્રી અંજનાબેન પટેલે આભારવિધિ કરી હતી. 
આ પ્રસંગે મહિલા બાળ વિભાગના ચેરમેન શ્રી નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાસુદેવભાઈ પટેલ, અગ્રણી સર્વે શ્રી જયેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા, સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, ડાયટ પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડીયા, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, બી.આર.સી., સી.આર.સી., આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top