પાટડી ખાતે પધારેલા સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમન વાજાએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અનુસૂચિત જાતિની છાત્રાલય તેમજ વણકર સમાજ ભવનની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ ખાસ કરીને છાત્રાલયના બાળકો સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી હતી અને છાત્રાલયમાં આપવામાં આવતી સુવિધાઓ અંગેની ઊંડાણપૂર્વક જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને પોતાના મનગમતા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, તેમણે સંબંધિત અધિકારીઓને ખાતરી કરવા જણાવ્યું હતું કે છાત્રાલયમાં બાળકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિપુલ મેરાણી, અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



